મહાભારત કથા

29 06 2008

કામ્યક વનમાંથી નીકળીને પાંડવો દ્વૈતવનમાં આવીને રહેવા લાગ્યા. તેઓ એક બ્રાહ્મણને ત્યાં રોકાયેલા. એકવાર એવું બન્યું કે યજ્ઞ માટેનું કાષ્ઠ (લાકડું) એક મૃગે શીંગડા ઘસતાં એમાં ભરાયું. તેથી મૃગ એ કાષ્ઠ લઈને ભાગ્યું. બ્રાહ્મણે યજ્ઞ માટે એ કાષ્ઠ લાવી આપવાનું પાંડવોને કહ્યું તેથી પાંડવો ઉતાવળે એ મૃગ પાછળ દોડ્યા. તેઓ તેને વીંધી શક્યા નહિ કે પકડી શક્યા નહિ અને ઘણે દૂર જતાં છેવટે મૃગ દષ્ટિબહાર જતો રહ્યો ત્યારે તૃષાથી પીડાઈને થાકીને નીચે બેઠા. યુધિષ્ઠિરે નકુળને પાણીની શોધ કરવા મોકલ્યો. પાણીનું એક સરોવર તો મળી આવ્યું પણ તેમાંથી એક અંતરિક્ષથી અવાજ આવ્યો કે, ‘મારા પ્રશ્નના ઉત્તર દીધા વગર પાણી પીશ કે લઈશ તો તું મરીશ.’

તે અવાજની દરકાર કર્યા વગર નકુળે પાણી પીધું કે તુરત જ તે મરણ પામ્યો. નકુળને ઘણીવાર થઈ તેથી યુધિષ્ઠિરે સહદેવને તેની શોધ કરવા મોકલ્યો. તેના પણ એવા જ હાલ થયા. તેની પાછળ અર્જુન તથા ભીમ પણ ગયા. તેઓ પણ તે પાણી પીતાં જ મરણને શરણ થયા. પછી ઘણીવાર થવાથી યુધિષ્ઠિર પોતે તે સઘળાની શોધ કરવા ગયા અને પૃથ્વી ઉપર પોતાના ચારે બાંધવોને મરણ પામેલા જોયા. કષ્ટરૂપ દશાને પામેલા યુધિષ્ઠિરનાં નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં અને તેમણે ચિંતાયુક્ત થઈ પોતાના ભાઈઓને મારનાર શત્રુની તપાસ કરવા માંડી.

જ્યારે તેઓ પાણીમાં ઊતરી સ્નાન કરવા લાગ્યા ત્યારે અંતરિક્ષના અવાજે કહ્યું કે, ‘તારા ભાઈઓને મેં મરણ પમાડ્યા છે.’
યુધિષ્ઠિરે વિસ્મય પામી પૂછ્યું કે ‘તું કોણ છે ?’
બગલારૂપે બોલનારે જવાબ આપ્યો કે, ‘હું યક્ષ છું અને મારા પ્રશ્નનો ઉત્તર તમે આપો નહિ ત્યાં સુધી આ સરોવરનું પાણી લેશો નહિ.’
યુધિષ્ઠિરે કહ્યું : ‘હું પારકી ચીજનો લોભ કરતો નથી. હું મારી મતિ અનુસાર તમારા પ્રશ્નનો ઉત્તર દઈશ.’ પછી ધર્મરાજાએ તે યક્ષના પ્રશ્નોના નીચે પ્રમાણે ઉત્તર દીધા :

યક્ષ : આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે ?
યુધિષ્ઠિર : સર્વને મરતાં દેખે તથાપિ જે પોતાને એમ માને છે કે હું મરવાનો નથી. – એ આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે.

યક્ષ : મનુષ્ય માટે સૌથી મોટો અસાધ્ય રોગ કયો ?
યુધિષ્ઠિર : સૌથી મોટો અસાધ્ય રોગ ‘લોભ’ છે કારણકે એ મરણ સુધી નથી છૂટતો.

યક્ષ : સૌથી વધારે ધનવાન કોને જાણવો ?
યુધિષ્ઠિર : જેને પ્રિય અને અપ્રિય, સુખ તથા દુ:ખ અને ભૂત તથા ભવિષ્ય એ બન્ને સમાન છે તેને સમગ્ર ધનવાન જાણવો.

યક્ષ : વ્યક્તિ મરેલો ક્યારે કહેવાય ?
યુધિષ્ઠિર : જ્યારે તે નિરુદ્યોગ (કામકાજ વિનાનો, કામકાજમાં આળસ કરનારો) અને દરિદ્ર (આર્થિક અને મનના વિચારોથી પણ ગરીબ) એ બધા વ્યક્તિઓ મરેલા જેવા છે.

યક્ષ : શ્વાસોશ્વાસ લે તથાપિ નથી જીવતો એવો કોણ ?
યુધિષ્ઠિર : દેવતા, અતિથિ, નોકર-ચાકર, પિતૃ અને પોતે – એમ પાંચ ને જે (દાન) ન આપે તે જીવતો નથી.

યક્ષ : પ્રવાસમાં, ઘરમાં, રોગી અવસ્થામાં અને મૃત્યુ સમયે મનુષ્યનો મિત્ર કોણ ?
યુધિષ્ઠિર : પ્રવાસમાં સારી સોબત, ઘરમાં સદગુણી સ્ત્રી, રોગી અવસ્થામાં વૈદ્ય અને મૃત્યુ સમયે દાન માનવીનો મિત્ર છે.

યક્ષ : વાયુ કરતાં પણ જે અત્યંત ઝડપી છે તે શું ?
યુધિષ્ઠિર : મન બધા જ કરતા સૌથી ઝડપી છે.

યક્ષ : સુખમાં સર્વશ્રેષ્ઠ સુખ કયું ? લાભમાં સૌથી ઉત્તમ લાભ કયો ? ધનમાં ઉત્તમ ધન કયું ?
યુધિષ્ઠિર : સંતોષ એ સર્વશ્રેષ્ઠ સુખ. લાભમાં ઉત્તમ આરોગ્ય લાભ. આજીવિકા (પગાર) દ્વારા નિયમિત પ્રાપ્ત થાય એ જ ઉત્તમ ધન – એ સિવાયના અન્ય ધન અનેક દોષોની સૃષ્ટિ કરે.

યક્ષ : સ્થિરપણું, શમ અને ધૈર્ય એટલે શું ?
યુધિષ્ઠિર : પોતાના ધર્મનાં દ્રઢ રહેવું એ સ્થિરપણું. ચિત્તની શાંતિ એ જ શમ અને ઈંદ્રિયોનો નિગ્રહ કરવો તે ધૈર્ય.

યક્ષ : કુળ, આચરણ, વેદાધ્યયન તથા શાસ્ત્ર – આ ચાર માંથી બ્રાહ્મણપણું શાનાથી આવે ?
યુધિષ્ઠિર : સારુ આચરણ એ જ બ્રાહ્મણપણાનું મુખ્ય અંગ છે. એનાથી જ બ્રાહ્મણપણું આવે છે.

યક્ષ : પ્રિય વચન બોલનાર, વિચારીને કામ કરનાર, ઘણા મિત્રો બનાવનાર તેમજ ધર્મપરાયણ વ્યક્તિ – આ લોકો અંતે શું પામે ?
યુધિષ્ઠિર : પ્રિય વચન બોલનાર ને અંતે સર્વ બાજુથી પ્રીતિ મળે. વિચારીને કામ કરનારને વિજય મળે. ઘણા મિત્રો બનાવનારને સંકટમાં સહાયતા મળે. ધર્મપરાયણ મનુષ્યને અંતે સદ્દગતિ મળે.

યક્ષ : ક્યો વ્યક્તિ કાયમ જીવતો રહે છે ?
યુધિષ્ઠિર : માણસ પોતે કરેલા શુભ કર્મોની કીર્તિથી જ જીવી શકે. જ્યાં સુધી વ્યક્તિની કીર્તિ કાયમ રહે છે ત્યાં સુધી એ વ્યક્તિ જીવીત છે એમ જ કહેવાય.

યક્ષ : માણસ મોટા સ્થાનને કે પદને કેવી રીતે પામે ? બીજામાં રહેલો કોઈ વિશિષ્ટ ગુણ કેવી રીતે પામી શકે ? બુદ્ધિમાન શેનાથી થવાય ?
યુધિષ્ઠિર : માણસ તપથી (સતત મહેનત)થી મોટા પદને પામે. વિશિષ્ટ ગુણ આત્મસાત કરવા માટે ધૈર્ય કેળવવું પડે. વૃદ્ધોની સેવાથી બુદ્ધિમાન થવાય.

ઉપર પ્રમાણે પ્રશ્નો પૂછ્યા અને જ્યાં સુધી તે યક્ષ સંતોષ પામ્યો અને ‘તમારા ભાઈઓમાંથી જે એકને ઈચ્છતા હો તે જીવતો થાય’ એમ વરદાન આપ્યું ત્યાં સુધી તેમણે યથાર્થ ઉત્તર આપ્યા કર્યા. યુધિષ્ઠિરે કહ્યું કે, ‘નકુળ જીવતો થાય.’ તે સાંભળી યક્ષે સમજાવ્યા કે, ‘ઓરમાન ભાઈ નકુળ કરતાં ભીમ અથવા અર્જુનના જીવતા થવાની કેમ ઈચ્છા કરતા નથી ?’ પણ ધર્માત્મા યુધિષ્ઠિરે નિશ્ચયપણાથી કહ્યું કે, ‘અવિષમપણું એ જ પરમધર્મ છે અને મારી કોઈ પણ માતાને અપુત્ર રહેવા દેવાની હું ઈચ્છા રાખતો નથી. કારણકે હું મારી બન્ને માતાઓમાં વિષમતા રાખતો નથી. માટે હે યક્ષ ! નકુળ જીવતો થાઓ.’ પછી યક્ષે કહ્યું : ‘હે ભરતકુળમાં શ્રેષ્ઠ ! અર્થ તથા કામથી પણ તને વિષમપણું નથી માટે તારા સર્વ ભાઈઓ જીવતા થાઓ.’ તુરત જ ચારે ભાઈઓ પીડારહિત થઈ ઊભા થયા.

યુધિષ્ઠિર બોલ્યા કે : ‘બગલાના રૂપમાં આપ કોણ છો ? કારણકે તમે યક્ષ હો એમ હું માનતો નથી.’ એમ જ્યારે યુધિષ્ઠિરે કહ્યું ત્યારે ધર્મરાજા દશ્યમાન થયા અને પોતાના પુત્રને આશીર્વાદ આપ્યો અને વરદાન માગવા કહ્યું. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે, ‘આ બ્રાહ્મણને અગ્નિમંથન કરવાના બે કાષ્ઠ પાછા મળો.’ ધર્મરાજાએ કહ્યું કે મૃગના વેષે મેં જ તે બ્રાહ્મણના કાષ્ઠ હરણ કર્યા હતા. પછી બીજો વર માગવા કહ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે, ‘બાર વરસ વનમાં રહ્યા. હવે અજ્ઞાતવાસનું તેરમું વરસ આવ્યું છે માટે તે વરસમાં જ્યાં અમે વસીએ ત્યાં ક્યારેય પણ અમને મનુષ્યો ઓળખી શકે નહિ એ બીજો વર માગું છું. અને ત્રીજો એ કે લોભ, મોહ અને ક્રોધને હંમેશ જીતું અને દાન, તપ અને સત્ય એ ત્રણને વિષે હંમેશ મારું મન રહે.’ ધર્મરાજાએ કહ્યું કે ‘તમારી ઈચ્છામાં આવે એવું રૂપ ધારણ કરીને તમે વિરાટ નગરમાં જાઓ.’ એમ વરદાન આપી ધર્મરાજા અંતર્ધાન થયા. પાંડવોએ ગુપ્ત વેશે રહેવાનો નિર્ણય કરી વિરાટ નગર તરફ જવાની તૈયારી કરી.

 





જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની

29 06 2008

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની !

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી  આપની !

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની !

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની !

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની !

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની !

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની  !





જનનીની જોડ સખી! નહીં જડે રે, લોલ!

28 06 2008

જનનીની જોડ સખી! નહીં જડે રે, લોલ!મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે, લોલ,
એથી મીઠી તો મોરી માત રે,
જનનીની જોડ સખી! નહીં જડે રે, લોલ!

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે, લોલ,
જગથી જુદેરી એની જાત રે, – જનનીની ….

અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે, – જનનીની ….

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે, – જનનીની ….

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એંની સોડ રે, – જનનીની ….

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે, – જનનીની ….

ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે, – જનનીની ….

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે, – જનનીની ….

ધરણીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે, – જનનીની ….

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે, – જનનીની ….

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે, – જનનીની ….

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે, – જનનીની ….

જનનીની જોડ સખી! નહીં જડે રે, લોલ,

- દામોદર ખુશાલદાસ બોટાદકર





છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ

28 06 2008

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ
છોટો સો મેરો મદન ગોપાલ

આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ
બીચમેં મેરો મદન ગોપાલ ………..છોટી છોટી

કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ
શ્યામવરણ મેરો મદન ગોપાલ ……છોટી છોટી

ઘાસ ખાયે ગૈયા દૂધ પીયે ગ્વાલ
માખન ખાયે મેરો મદન ગોપાલ …છોટી છોટી

છોટી છોટી લકુટી છોટે છોટે હાથ
બંસી બજાવે મેરો મદન ગોપાલ…..છોટી છોટી

છોટી છોટી સખીયાઁ મધુબન બાગ
રાસ રચાયે મેરો મદન ગોપાલ ……છોટી છોટી





હમકો મનકી શક્તિ દેના

28 06 2008

હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે
દૂસરોંકી જયસે પહેલે ખૂદકો જય કરેં

ભેદભાવ અપને દિલસે સાફ કર સકે
દોસ્તોસે ભૂલ હો તો માફ કર સકે
જૂઠસે બચેં રહે, સચકા દમ ભરેં
દૂસરોંકી જયસે પહેલેં ખૂદકો જય કરેં

મુશ્કીલેં પડે તો હમ પે, ઈતના કર્મ કર
સાથ હૈં તો ધર્મકા ચલેં તો ધર્મ પર
ખુદ પે હોંસલા રહે બદીસે ના ડરેં
દૂસરોંકી જયસે પહેલે ખૂદકોં જય કરેં





આનંદ મંગળ કરૂં હું આરતી

28 06 2008

આનંદ મંગળ કરૂં હું આરતી હરિ
ગુરુ સંતની સેવા – [2]

પ્રેમ ધરીને મારે મંદિરીયે પધારો [2]
સુંદર સુખડા દેવા – વ્હાલા – [2]
– આનંદ મંગળ

મારે આંગણિયે તુલસીનો ક્યારો [2]
શાલિગ્રામની સેવા — વ્હાલા – [2]
આનંદ મંગળ

સકળ તીરથ મારા ગુરુજીને ચરણે—[2]
ગંગા જમુના રેવા – વ્હાલા—[2]
– આનંદ મંગળ

સંત મળે તો મહાસુખ થાયે –[2]
ગુરુજી મળે તો મેવા –વ્હાલા—[2]
આનંદ મંગળ

અધમ ઉધ્ધારણ ત્રિભુવન તારણ – [2]
આવો દરશન દેવા – વ્હાલા – [2]
– આનંદ મંગળ

સનકાદિક પ્રભુ બ્રહ્માદિક પ્રભુ –[2]
નારદ શારદ જેવા – વ્હાલા – [2]
આનંદ મંગળ

કહે પ્રીતમ ઓળખો એ ધણીને – [2]
હરિનાં જન હરિ જેવા – વ્હાલા – [2]
– આનંદ મંગળ





જય કાના કાળા

28 06 2008

જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા
મોહન મોરલીવાળા [2] ગોપીના પ્યારા
- ૐ જય કાના કાળા

કામણગારા કાના, કામણ બાહુ કીધાં – પ્રભુ [2]
માખણ ચોરી મોહન [2] ચિત્ત ચોરી લીધા
- ૐ જય કાના કાળા

નંદ યશોદા ઘેર, વૈંકુંઠ ઉતારી –પ્રભુ [2]
કાલીય મર્દન કીધાં [2] ગાયોને ચારી
- ૐ જય કાના કાળા

ગુણ તણો તુજ પાર, કેમે નહીં આવે – પ્રભુ [2]
નેતિ વેદ પુકારે [2] પુનિત શું ગાવે ?
- ૐ જય કાના કાળા





શાંત ઝરૂખે વાટ નિરખતી

26 06 2008

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી……

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….





હંસલા હાલો રે હવે

26 06 2008

હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે





હું તો ગઇ’તી મેળે

26 06 2008

હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળામાં

હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…

મેળે મેળાવનાર મેળો
રંગ રેલાવનાર મેળો
મૂલે મુલાવનાર મેળો
ભૂલે ભુલાવનાર મેળો

ચિતડું ચકડોળ મારું આમ-તેમ ઘૂમતું
ને આંખ લડી ગઇ અલબેલામાં

મેળામાં આંખના ઉલાળા
મેળામાં પાયલ ઝણકાર
કોઇના જાણે ત્યારે લાગે
કાળજળે આંખ્યું ના માર

______________
હેલાતા રંગે રેલામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, ,મેળામાં… મેળામાં…








Follow

Get every new post delivered to your Inbox.