બે યહૂદીઓ એક બગીચામાં બેઠા હતા. બંને ગરીબ હતા. બંને જણે લાંબી ચુપકીદી પછી વાત શરૂ કરી. એક ફાટેલાં કપડાંવાળા યહૂદીએ કહ્યું, ‘તને ખબર છે કે મને શું જૉઈએ છે?’‘ના, મને ખબર નથી.’
‘તો સાંભળ. મારે બગીચાને વટાવીને આગળ જવું છે. ત્યાં એકાએક એક ખાડામાં મને સોનાની પાટોનો ખડકલો દેખાશે. એ સોનું તમામ મારું થઈ જશે. આવી કલ્પના કરું છું.’
બીજા યહૂદીએ કહ્યું, ‘અરે દોસ્ત, જૉ તને સોનાની પાટો મળે તો પછી તેમાંથી મને તું એક ટુકડો આપીશ?’ પેલા યહૂદીએ કહ્યું, ‘અરે તું કેવો માગણ છે? તને પોતાને તારા પોતાના જ સોનાના ઢગલા માટેની ઈરછા કરતા નથી આવડતું કે મારી પાસે ભીખ માગે છે?’ આ ટુચકાનો આ લેખ માટે એટલો ઉપયોેગ છે કે મોટા ભાગના વાચકોને હવે ગ્રામીણ જીવન, જે અમે જીવેલું, તે મળતું નથી. કદાચ એ ગ્રામીણ જીવન મળવાનો હજી ચાન્સ છે, પણ કોઈ લેશે નહીં. પણ એવા ગ્રામીણ જીવનની મનોમન કલ્પના કે ઈરછા કરવાની સૌને છૂટ છે. બચપણમાં અમને વડલાના ઝાડ ઉપર ચઢી ટેટા ખાવા મળતા. લીમડાના ઝાડ પાસે ઓળાંબડી-કોળાંબડી રમતા. મહુવા, શહેર હતું, ગામડું નહીં, પણ ત્યાં શેરીનું કલ્ચર હતું. શેરીમાં મોઈદાંડિયો, ભમરડા અને કોડીઓને ગબ્બીમાં નાખવાની રમત રમતા. ચાલો ગામડાનું જીવન જીવી ન શકીએ તો કંઈ નહીં તેનો નઝારો જૉઈએ.આજે અમુક ગામડાંઓ તો ૨૧મી સદીની પ્રોપર્ટીની બૂમમાં નષ્ટ થઈ ગયાં છે. સુરત નજીક અસલી પટેલોનું વરાછા ગામ હતું. તે વરાળ થઈ ડી ગયું છે. પ્રોપર્ટીના સોદાગરો તેને ચાઉં કરી ગયા છે.સૌથી પ્રથમ તમે વિચારમાં પડી જાઓ તેવી વાત કહું. આજે સેકસોલોજિસ્ટોનો રાફડો ફાટયો છે. સેકસનાં પુસ્તકો થોકબંધ છે. સેકસની કટારો લખાય છે. આવું બધું અમારા ગામડામાં ચર્ચાતું નહીં. સેકસ શબ્દ જ કોઈને આવડતો નહીં. પણ ગામડામાં સેકસના જલસા હતા. આજે સેકસના ચાળા, સેકસની ચર્ચા અને સેકસની પંચાત બહુ થાય છે, પણ સાચું સેકસ નથી. જયપુરમાં જઈ વસેલા સુરત નજીકના વરાછા ગામના અંકિત પટેલ જે ખ્યાતનામ શિલ્પકાર છે તેને એકાએક વરાછા ગામ યાદ આવે છે. વરાછાનાં ગામડિયા પટેલો, પટલાણીઓ, મોચણો, કોળણો અને ત્યાંની ખોડીકાકી યાદ આવે છે. આજે સોસાયટીના ફલેટોમાં કોઈ રોમેન્ટિક સ્વભાવની હિંમતવાળી મહિલાઓ પુરુષો સાથે રસપૂર્વક વાતો કરે ત્યાં જ વગોવાઈ જાય. તેને ‘ચાલુ’નું વિશેષણ મળે. વરાછા, ઝાંઝમેર, મહુવા કે કોઈ ગામમાં ૬૦ વર્ષ પહેલાં અમે આવી સ્ત્રીને વગોવતા નહીં. વરાછા ગામે એક કાળુબાઈ હતી. તેને પાંચ પુરુષો પ્રેમ કરતા. સસરો પુત્રવધૂના પ્રેમમાં પડી જાય તેની સૌને ખબર હોય, પણ તે સામાન્ય મનાય.
અંકિત પટેલે કાળુબાઈનું ચિત્ર દોર્યું છે. તેને દ્રૌપદી નામ આપ્યું છે. આપણે દ્રૌપદીને માનથી જૉઈએ પણ ‘કાળુબાઈ’ તો આજે નિંદાઈ જાય. આજે દરેક વાતના પૈસા છે. મંદિરમાં દર્શન કરવાના પૈસા, નવરાત્રિમાં દાંડિયારાસ લેવા જવાની પ્રવેશ ફી એ બધું એટલું વધુ મગાય છે કે ભવિષ્યમાં માતા તેના પુત્રને કહેશે કે મેં તને ડિલિવર કર્યોતે માટેની ફી લાવ! અમારા ગામ પાસે ખંઢારાનો કુંભાર-નાડીવૈદ મફત વૈદું કરતો. ઘરવૈદું ઘરેઘરે હતું.
વરાછા ગામમાં પટેલો પાસે ૨ એકરથી ૧૫ એકર જમીન રહેતી. ખેતી કરતા. કાંઈ પજે નહીં તો દેવું કરતા, પણ જલસા કરતા. સામૂહિક કે સામાજિક જીવન સમૃદ્ધ હતું. મોટા વરાછા ગામની ખોડીકાકી બીજવરને પરણેલાં. ખોડંગાતી-લંગડાતી ચાલે એટલે તે ખોડીકાકી કહેવાયાં. એક શબ્દ ભણેલાં નહીં, પણ ગામની વહુવારુ-સાસુના ઝઘડા, પંચાયતની ચૂંટણી, ઘરની ખેતી એ તમામનું ઘ્યાન ખોડીકાકી રાખતાં. આજે પટેલોની પુત્રીનાં નામ મનીષા, અમીષા, જિજ્ઞા, દેવયાની, ફાલ્ગુની રખાય છે પણ વરાછા કે કોઈ પણ ગામમાં સ્ત્રી માટે બે અક્ષર કે બહુ બહુ તો ત્રણ અક્ષરવાળું નામ હોય. અંબા, સોના, રૂપા, જમના, ગંગા કે માલી જેવાં નામ હોય. જમનાની જમકુડી થઈ જાય. ગંગાની ગંગલી થઈ જાય.
વરાછામાં નવી નવાઈની ગ્રેજયુએટ થયેલી મનીષા પરણીને વડોદરાથી આવી. જુનવાણી સાસુ કે ગામની બાઈઓ તેને મનસુડી કહે. એને નામથી ભાગ્યે જ બોલાવાય. પરણીને આવનારી છોકરી અંકિત પટેલની વહુ ન કહેવાય. અંકિતની માતા હેમાબાઈની વહુ કહેવાય. વહુ ઉપર સાસુનો જ અધિકાર એટલે સોનાની વહુ, ગંગાની વહુ, નરબદાની વહુ એમ જ કહેવાય. મનીષાને તાવ આવે કે વારંવાર શરદી થાય તો સાસુ ડોકટર પાસે ન લઈ જાય. મનીષાવહુ રૂપાળી એટલે વરાછાની સાસુ કહે કે ‘જા વહુ, સોના આંબલી પાસે જઈ આવે.’ સોના આંબલી એ ગામની દેશી વૈદ હતી. ભૂવા જેવું કામ કરતી. નજર ઉતારતી. મનીષાવહુ બીમાર પડે એટલે સમજવાનું કે કોઈની તેના રૂપ ઉપર નજર પડી. સોના આંબલી કાળાં કપડાં પહેરે. ભૂત હટાવવા કાળા દોરા બાંધે. ભૂતને કાઢે.ગામડામાં શું માત્ર ધનિક માણસ વટથી ચાલે? ના. ચું માથું કરીને વટથી ચાલનારા ગરીબ પણ હોય. અમારા ગામના અભેશંગ બાપુના જેટલા વાળ એટલું માથે દેવું, પણ ગામમાં નીકળે ત્યારે કૂવે પાણી ભરવા જતી વહુવારુઓ આડું ફરીને લાજ કાઢી ભી રહે. બાપુને ગામનો વાળંદ સલામ ભરે. બાપુ ફાટફાટ ચાલે. વરાછામાં એક ભગુ ભરથરી નામનો ભાયડો હતો.
આજે રામાયણ કે રામના અસ્તિત્વ વિષે શંકા થાય છે, પણ તમે ભગુ ભરથરીના અસ્તિત્વને નકારી ન શકો. વરાછાના ભગુ ભરથરી રામલીલા ભજવાય તેમાં ધનુષધારી રામનું પાત્ર ભજવતો. છ ફૂટની હાઈટ હતી એટલે ચો ચો ચાલે. રામનું નાટક પૂÊરું થાય પછી પણ ચો ચો જ ચાલે. જાણે પોતે રાજા હોય તેમ ગામના લોકો સાથે વર્તે. ઘરે ખાવા ખીચડી ન હોય પણ એ રામલીલાના ભગુ ભરથરીનો વરાછા ગામે હાંકો પડે. ભરથરી અને પિંગળાનું નાટક ગામડામાં ભજવાય ત્યારે બાવલો નામનો રૂપાળો છોકરો પિંગળા બને. પિંગળા બને તે માટેનાં સ્ત્રીનાં વસ્ત્રો તે ગામના ફંડમાંથી ન લે. તે પોતાનાં ચણિયા કે ચોળી પોતાના માપ પ્રમાણે ‘ટાઈટોટાઈટ’ ગામના વલ્લભ કમ્િપ્લટ પાસે સિવડાવે. પછી ચાલે તો પણ લટક-મટક જ ચાલે. તમે સમજી ગયા હશો કે ગામમાં અટક કરતાં નામ પાછળ તેની ખાસિયતવાળો શબ્દ જૉડાઈ જાય. વલ્લભ દરજી એના કામમાં એટલો બધો ચીવટવાળો અને પોતાના વાળ, કપડાં, બૂટ વગેરે એટલું બધું સુંદર રાખે કે તેનું નામ વલ્લભ કમ્િપ્લટ બની ગયું.
વલ્લભ હંમેશાં ડોકટર જેવો જ રુઆબ રાખે. ડોકટરો ગળામાં સ્ટેથોસ્કોપ પહેરે પણ વલ્લભ કમ્િપ્લટ ગળામાં કપડાંનાં માપ લેવાની મેઝર ટેપ પહેરે. તમારે ઘરે સંચો લઈને આવે. તેને ભાવે તેવી રસોઈ જમાડે તો ગોદીબહેન (ગોદાવરી)ની ચોળી અને દીકરી ર્મિલાનાં બ્લાઉઝ ફીટોફીટ સીવે. અમારા વખતના ગામડે ઘરે વાળંદ આવે. પહેલાં એક દીકરો અને એક દીકરીનો રિવાજ નહોતો. અરધો ડઝન પોયરાં પેદા થયાં હોય એટલે વાળ વઘ્યા હોય કે ન વઘ્યા હોય છએ છ છોકરા વાળ કપાવવા બેસી જાય. વાળ કાપી લે પછી બોઘા પટેલ દાઢી કરાવવા બેસે ત્યારે સાબુનાં ફીણ ન વળે. ગરમ પાણીથી જ ઘૂસો વાળંદ વાળને કૂણા કરે. આ તમામ બાલ સફાઈનાં ઓપરેશન પછી ઘૂસા વાળંદને બે પાઈલી બાજરો મળે.
ભગુ તીતર નામનો સેવાભાવી માણસ હતો. ગામના લોકોએ તેને તીતર નામ આપ્યું. એટલા માટે કે કોઈથી ન ડરનારો ભગુ તેની બૈરીથી ગભરાય. આખા ગામનું કામ ભગુ તીતર કરે. સોમો એક આંખે કાણો હતો એટલે એને લોકો સોમો શોટ કહે. શોટ એટલે એક આંખ શૂટ થઈ ગઈ. સોમા પાસેથી બધી ખબર મળે. કોનું કોની સાથે ‘ચાલે છે’ તેના ખબર આપે. પણ આવા આડાઅવળા સંબંધ બહુ જ હાઈકલાસ રીતે બધા પચાવી જાય. ‘એલા એય ભગલા તારી વહુ જૉ… આમ કરતી હતી… દેવલા સાથે ચાલુ છે.’ તો ભગલો કહે, ‘તારા બાપનું શું જાય છે? તું તારી બૈરી સંભાળ.’શું કામ આજે આવા પ્રેમસંબંધો કે આડા સંબંધોને કારણે છૂટાછેડા લેવાય છે? અમારા સમયનો સમાજ કડક ધોરણોવાળો હતો, પરંતુ સેકસ બાબતમાં ગુપચુપ ઉદાર હતો. માત્ર ઝાંઝમેર કે વરાછા, તળાજા કે તલાસરી નહીં, છેક બ્રિટનમાં પણ આવું હતું. કવિ ફિલિપ લારકીને કહ્યું કે સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ ૧૯૬૩થી શરૂ થયો! એટલે કે ત્યારથી આ સેકસની મજા ઓછી થઈ ગઈ અને પંચાત વધી ગઈ. ટોમ બેયર્ડ નામના પત્રકારે લંડનના ‘ટાઈમ્સ’ અખબારના મેગેઝિનમાં લખેલું કે જૂના જમાનાના બ્રિટનમાં દરેક પરણેલી સ્ત્રીમાં પાંચમી સ્ત્રી અને દરેક પુરુષોમાં ચોથો પુરુષ કોઈ ને કોઈની સાથે અફેરમાં રહેતાં જ. બ્રિટનમાં તો ૧૯૪૯માં એવું તારણ મળ્યું કે જે કુલ બાળકો જન્મે છે તેમાંથી ત્રીજા ભાગના આડા સંબંધોમાંથી જન્મતાં. અમે નાના હતા ત્યારે અમારા વડીલો ગુપચુપ વાત કરતા. તેનું એક વાકય મારા પિતા બોલેલા તે મને યાદ છે, ‘કોણ, કોનું સંતાન છે તે કહેવું મુશ્કેલ છે!’ આજે સસેકસ યુનિવર્સિટીના કબાટમાં ‘ધ લોસ્ટ ડીકેડ’ નામના સરવેના કાગળો પડયા છે. તે કહે છે કે જૂના જમાનાની ૨૦ ટકા સ્ત્રીઓ પતિને ‘બેવફા’ હતી પણ જીવનને ભારોભાર વફાદાર રહેતી. જીવન! ધબકતું જીવન!!! કુટુંબજીવન પણ બહુ મજાનું રહેતું. સરવેમાં ૩૨ ટકા પુરુષોએ કબૂલ કરેલું કે ‘હા, અમારે બીજૉ સેકસવહેવાર હતો.’
મનીષા પટેલ એ વરાછા રોડની આધુનિક વહુ હતી. તેના સસરાનું નામ નરસિંહભાઈ પણ તેને સૌ નરસૈંયો કહે. તે સરસ ટોપલા બનાવે. ગામ આખું તેના ટોપલા મફતમાં નરસૈંયા પાસે સમારાવી જાય. કૂવામાં ઘડો પડી જાય, માળિયે ચઢાવેલો સામાન ઉતારવાનો હોય, લગ્ન માટેની સામગ્રી લેવા જવાની હોય, લગ્નપ્રસંગે બંદૂકના ભડાકા કરવાના હોય કે વરરાજા માટે ઘોડો શણગારવાનો હોય તે દરેક કામના અલગ અલગ નિષ્ણાતો ગામડામાં હોય, તે મફતમાં કરી દે. શાંતા શાકવાળીને માત્ર કહેવાનું, મે’માન આવ્યા છે. ધિયું બનાવવાનું છે. બસ કામ થઈ જાય.વિનોબા ભાવેએ પવનાર આશ્રમમાં ૫૬ વર્ષ પહેલાં ‘કાંચનમુકિત પ્રયોગ’ શરૂ કરેલો, પણ વરાછા કે ઝાંઝમેરમાં તો આ પ્રયોગ હજારો વર્ષથી ચાલતો. મારા ગામમાં હીપો કોળી હતો. તેને ઘર નહીં. ચોરામાં સૂઈ રહે. કોઈને ઘરે ગોવાળ ન આવે તો ગાય-ભેંસ દોહી આવે. ગરીબના મરણમાં પુરુષના મડદાને બાળવાનું સરપણ (લાકડાં) ન મળે તો હીપો ઘરે ઘરે જઈ લાકડાં ઉઘરાવી શબને એકલો બાળી આવે. લગ્નસરા હોય તો મહેમાનના ઉતારા સાફ કરે, ગાદલાં ઉઘરાવી આવે. બદલામાં તેને જમવાનું મળે. ઉતરેલાં કપડાં મળે. મોચી, સુથાર, લુહારનું કામ બધું પૈસાના વહેવાર વગર થાય. મોચી હોય તે હીપાને જૂનાં જૂતાં આપે. ન આપે તો હીપો ખુલ્લા પગે ચાલે. ગાંજૉ પીવાનું મન થાય તો હીપો ગામને ઝાંપે બાવો આવે ત્યારે ચલમની બે ફૂંક મારી લે. અમારું આખું ગામ કાંચનમુકત હતું. સુરતના હીરાવાળાએ વરાછાની જમીનો કરોડોના ખર્ચે વેચાતી લઈ અમને બધા ગામડિયાઓને કાંચન (લક્ષ્મી)ના ગુલામ બનાવ્યા છે. આખું ભારત કાંચનમુકત હતું. તે આજે કાંચનઆસકત છે. પેલા સોનાની પાટોનાં સપનાં જૉતા યહૂદી જેવું મારું સપનું છે. હે ભગવાન મને મારું કાંચનમુકત ગામડું ફરી આપ.
-કાન્તિ ભટ્ટ
(આભારા દિવ્યભાષ્કર)
[...] મારે તે ગામડે એક વાર આવજો… [...]
khub sundar kanti bhat thankyou
Jagshi Gada/Shah
Vileparle – Mumbai
khub saras lekh chhe. kantibhai tamne namaskar.