તા.૨૯/૩ હાટકેશજયંતી વિશેષ

22 03 2010

હાટકેશ

નાગરોના કુળદેવતા હાટકેશ્વર

મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર એક ઐતિહાસિક નગરી ગણાય છે. તાજેતરનાં વર્ષોમાં કાયાકલ્પ પામેલું આ નગર ‘મંદિરોની નગરી’ તરીકે પણ પ્રસિદ્ધ છે. વિખ્યાત ગાયિકાઓ તાના, રિરિની ભૂમિ એવી આ નગરી કલાપ્રેમી એવા નાગરોના કુળદેવતા ભગવાન હાટકેશ્વરના મંદિર માટે પણ જગપ્રસિદ્ધ છે.

ભગવાન હાટકેશ્વર એટલે નટરાજ શંકર ભગવાન. આ મંદિરનું નિર્માણ ૧૩મી શતાબ્દીમાં થયું હતું. એવું મનાય છે કે અગાઉ પણ આ સ્થળે એક મંદિર તો હતું જ. તેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે જે મંદિર છે તેનું નિર્માણ થયું. આપણા અનેક પ્રાચીન ગ્રંથોમાં આવતા સંદર્ભોને આધારે એવું કહી શકાય કે અહીંનું મૂળ મંદિર તો મહાભારત કાળથી પણ પ્રાચીન હતું.

વર્તમાન મંદિરનું નિર્માણ સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિથી થયું છે. પૂર્વાભિમુખ એવા આ મંદિરના નૃત્યમંડપ ઉપર ભવ્ય ઘુમ્મટ છે. જ્યારે મંદિરનું ગર્ભગૃહ નૃત્યમંડપની સપાટી કરતાં નીચું છે. ગર્ભગૃહમાં વિશાળ શિવલિંગ છે અને અને તેની ઉપર ભવ્ય શિખર છે. સમગ્ર મંદિર રતાશ પડતા સેન્ડ સ્ટોન પ્રકારના પથ્થરોથી બનેલું છે તથા તેની ઉપર મનોહારી કોતરકામથા શિલ્પકળા દ્વારા રામાયણ, મહાભારત, પુરાણો તથા અન્ય પ્રાચીન ગ્રંથોની કથાઓ કલાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. એક પણ પથ્થર કોતરણી વિનાનો નથી. આ કલાત્મક કોતરકામને કારણે પણ હાટકેશ્વર ભગવાનનું મંદિર પ્રસિદ્ધ છે. મંદિરમાં ભગવાનની ત્રિકાળ આરતી અને પૂજાઅર્ચના થાય છે.

નાગર પ્રજા ભગવાન શંકરને આરાધ્ય દેવ ગણે છે. તે અંગેની ઘણી કથાઓ પ્રચલિત છે. ભગવાન શંકર નગાધિરાજ હિમાલયમાં આવેલા કૈલાસમાં નિવાસ કરે છે. નગ એટલે પર્વત. નગ ઉપરથી નગર શબ્દ બન્યો. જેનો અર્થ થાય છે પર્વતમાં નિવાસ કરનાર. આપણા પુરાણોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શિવના પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી સાથેનાં લગ્નની ઘટના સાથે પણ નાગર પ્રજા સંકળયેલી હતી. સ્કંદ પુરાણમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શિવ અને પાર્વતીનાં લગ્ન નાગર બ્રાહ્મણે કરાવી આપ્યાં હતાં. તેથી પ્રસન્ન થઈ શંકર ભગવાને હાટકેશ્વર ક્ષેત્રની ભૂમિ નાગરોને વસવાટ કરવા માટે આપી હતી.

અન્ય એક કથા એવી છે કે હાટકેશ્વર ક્ષેત્રમાં વસતો કૃત નામનો એક બ્રાહ્મણ યુવક ભ્રમણ કરતા કરતા નાગભૂમિમાં પહોંચ્યો. ત્યાં તેને નાગપ્રજાના રાજકુમાર રૃદામલ સાથે કોઈ કારણવશાત્ સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં રાજકુમાર રૃદામલનું મૃત્યુ થયું. પુત્રના મૃત્યુથી ક્રોધિત થયેલા નાગરાજાએ એ બ્રાહ્મણની સમગ્ર જાતિનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. હજારો વિષધર નાગો કૃતના નગર હાટકેશ્વરક્ષેત્ર ઉપર તૂટી પડયા અને ડંખ મારીને બ્રાહ્મણોનો કચ્ચરઘાણ વાળવા લાગ્યા. ગભરાયેલા બ્રાહ્મણો નગર છોડીને ભાગ્યા અને ત્રિજટ નામના એક સંતના શરણે ગયા. સંત ત્રિજટે આ બ્રાહ્મણોને નાગના વિષથી બચવા ભગવાન શંકરના શરણે જવા કહ્યું, તેથી બ્રાહ્મણોએ શંકર ભગવાનની આરાધના કરી. વર્ષોની આરાધનાથી પ્રસન્ન થયેલા ભોળાનાથે બ્રાહ્મણોને નાગરના ગરલ એટલે કે વિષની કોઈ અસર થશે નહીં તેવું વરદાન આપ્યું.

આમ ન-ગરલ શબ્દ ઉપરથી નાગર શબ્દ પ્રચલિત બન્યો. આજે પણ બ્રાહ્મણોમાં નાગરો શ્રેષ્ઠ ગણાય છે, કેમ કે તેઓ ના-ગર એટલે કે વિષ-દ્વેષભાવ વિનાના હોય છે. ભગવાન શંકરનું વરદાન મેળવ્યા પછી બધા બ્રાહ્મણો તેમની નગરીમાં પરત ફર્યા ત્યારે તે બધા જ વૃદ્ધ થઈ ગયા હતા. તેથી તે નગર વૃદ્ધનગર એવા નામથી જાણીતું બન્યું. વૃદ્ધનગર શબ્દનો અપભ્રંશ એટલે આજનું વડનગર. આમ બધી જ કથાઓ નાગર પ્રજાને ભગવાન શિવ સાથે સાંકળે છે. તેથી નાગર પ્રજા માટે ભગવાન શિવ આરાધ્ય કુળદેવતા છે.

પ્રખર વિદ્વાન માનશંકર પિતાંબરદાસ મહેતા જણાવે છે કે સન ૩૪૮માં વડનગરમાં નાગરોનું રાજ્ય હતું. તેથી જ નાગર બ્રાહ્મણોમાં લગ્ન પ્રસંગોએ બોલાતા ઉત્પામણીમાં સંવત ૪૦૪નો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. સંવત ૪૦૪ના સમયે સન ૩૪૮નું વર્ષ ચાલતું હતું.

એક દંતકથા પ્રમાણે ચિત્તોડગઢના મહારાજા બપ્પા રાવલ પણ મૂળતઃ આનંદપુરના નાગર બ્રાહ્મણ હતા. એક દંતકથા પ્રમાણે આનર્ત પ્રદેશ(અત્યારનું ઉત્તર ગુજરાત) ના રાજા ચમત્કારને એક શાપથી થયેલા કોઢને એક નાગર બ્રાહ્મણે ઔષધોપચાર કરીને મટાડયો હતો. આથી પ્રસન્ન થયેલા રાજાએ તે બ્રાહ્મણને ભારે ધનસંપત્તિ આપવાની ઘોષણા કરી. પરંતુ તે બ્રાહ્મણે તેના ઔષધોપચાર માટે ફૂટી કોડી લેવાની પણ ના પાડી. આથી આ સમગ્ર બ્રાહ્મણ પ્રજા પ્રત્યે કૃતજ્ઞાતા દર્શાવવા રાજા ચમત્કારે બ્રાહ્મણોના કુળદેવતા ભગવાન હાટકેશ્વરનું મંદિર બંધાવ્યું. વડનગરના તોરણ દરવાજાના સ્તંભ ઉપરના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતના રાજા કુમારપાલના અમાત્ય વલ્લ એક નાગર હતા અને તેમણે વડનગરના કિલ્લાનું તથા એક શિવમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વડનગર ઉપર સતત થતા વિદેશી આક્રમણકારીઓથી ત્રસ્ત નાગર લોકોએ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં આશ્રય લીધો હતો, પરંતુ તેઓ જ્યાં પણ વસ્યા, ત્યાં તેમણે પોતાની આગવી પંરપરાઓ યથાવત્ રાખી. નાગરોએ શિવભક્તિ માત્ર વડનગરના હાટકેશ્વર મંદિર સુધી જ સીમિત ન રાખતાં, ઈજિપ્ત, બ્રાઝિલ, બેબિલોન, કંબોડિયા જેવા દેશોમાં પણ શૈવમતનો પ્રસાર કર્યો તે પ્રકારના ઉલ્લેખો મળે છે.





જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

21 03 2010

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત





ઇતની શક્તિ હમે દેના દાતા

21 03 2010

ઇતની શક્તિ હમે દેના દાતા
મન કા વિશ્વાસ કમજોર હો ના … (૨)

હમ ચલે નેક રસ્તે પે,
હમસે ભૂલકર ભી ભૂલ હો ના … ઇતની …

દૂર અજ્ઞાન કે હો અંધેરે,
તુ હમે જ્ઞાન કી રોશની દે … (૨)

હર બુરાઇ સે બચતે રહે હમ,
જીતની ભી દે ભલી જિંદગી દે,

બેર હો ના કિસીકો કિસીસે,
ભાવના મનમેં બદલે કી હો ના … ઇતની …

હમ ન સોચે હમે ક્યા મિલા હૈ,
હમ યે સોચે હમે કિયા ક્યા હૈ અર્પણ … (૨)

ફલ ખૂશીયોં કે બાટે સભી કો,
સભકા જીવન હી બન જાયે મધુબન

અપની કરુણા ક જલ તુ બહાકર,
કર દે પાવન હરેક મન કા કોના … ઇતની …





આપણા મલકના માયાળુ માનવી

11 03 2010

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
હાલોને આપણા મલકમાં….કે હાલો….

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
હાલોને આપણા મલકમાં….કે હાલો….

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
હાલોને આપણા મલકમાં….કે હાલો….

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલોને આપણા મલકમાં….કે હાલો….

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલોને આપણા મલકમાં….કે હાલો….





કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી

11 03 2010

કોણ હલાવે લીંમડી ને કોણ ઝૂલાવે પીપળી, ભાઇની બેની લાડકી ને ભઇલો ઝૂલાવે ડાળખી…

હે લીમડીની આજ ડાળ ઝૂલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝૂલણ્યો જાય, લીલુડી લીમડી હેઠે… બેનીબા હીંચકે હીંચે….કોણ…

એ પંખીડા પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની ભારી હીંચકે હીંચે, ડાળીઓ તુ ઝૂલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો….કોણ…

આજ હીંચોડુ બેનડી તારા હેત કહ્યા ન જાય, મીઠડો વાયું બેની તારા હીંચકે બેસી જાય, કોયલ ને મોરલા બોલે, બેનીનો હીંચકો ડોલે…કોણ…

આજ વીરો તારો લાવશે વ્હાલે, મીઠા ફળ ને ફૂલ, ભાઇ બેનીના હેતની આગળ જગ આખું થાશે ડૂલ,
બેની મને રાખડી બાંધે,
વીરાના મીઠડા લેશે (૨)

કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી, ભાઇની બેની લાડકી ભૈલો ઝૂલાવે ડાળખી.





તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે

9 03 2010

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છુ રે, પાતળીયા, તને અમથું ! …તારી…

તારા પગનું પગરખું ચમકતું રે, અને અંગનું અંગરખું તમતમતું રે, મને ગમતું રે, આતો કહું છું રે, પાતળીયા તને અમથું ! …તારી…

પારકો જાણીને તને જાજું શું બોલવું ? ને અજાણ્યો જાણીને તને મન શું ખોલવું ? તને છેટો ભાળીને મને ગમતું રે, આ તો કહું છું રે, પાતળીયા તને અમથું ! …તારી…

હાથમાં જાલી ડાંગ કડીયાળી, હરીયાળો ડૂંગરો આવતો રે હાલી, લીંબુંની ફાડ જેવી આંખડીયું ભાળી, શરમ મુકી તોયે થાવ શરમાળી, તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા તને અમથું ! …તારી…

કોણ જાણે કેમ, મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું ? એક મને ગમતો આભનો ચાંદલો ને બીજો ગમતો તું ! ઘરમાં ખેતરમાં કે ઘરના થરમાં, તારા સપનનમાં મન મારુ રમતું રે, મને ગમતું રે, આતો કહું છુ રે, પાતળીયા તને અમથું ! …તારી…








Follow

Get every new post delivered to your Inbox.