તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.
એક ઘા – ‘કલાપી’
8 05 2009Comments : Leave a Comment »
Tags: એક ઘા - ‘કલાપી’
Categories : કલાપીનો કેકારવ, લોકપ્રિય ગીતો
ગઝલ-કલાપી
4 07 2008કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!
ગમીના જામ પી હરદમ, ધરી માશૂક! તને ગરદન;
ન ખંજરથી કર્યા ટુકડા, ન જામે ઈશ્ક પાયો વા!
પછી બસ મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;
સિતમગર હોય તું મારો, ખરો ઉસ્તાદ છે પ્યારો!
ગુલોમેં બાગ ના તોડી, દીધાં સૌ ધૂળમાં ચોળી;
બિછાનું ખારનું કીધું, ઉપર લોટી રહ્યો તે હું!
મુબારક હો તમોને આ, તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમો ને જે ન ફાવ્યો તે!
તમારા માર્ગમાં મજનૂ અને લૈલી શીરી ફરહાદ-
ચિરાયેલાં કપાયેલાં, પડ્યાં છે લોહીથી ભીનાં!
ગુલામો કાયદાના છો, ભલા એ કાયદો કોનો!
ગુલામો ને કહું હું શું? હમારા રાહ ન્યારા છે!
મને ઘેલો કહી, લોકો! હજારો નામ આપે છે;
હમો મનસૂરના ચેલા, ખુદાથી ખેલ કરનારા!
નહિ જાહોજલાલીના,નહિ કીર્તિ, ન ઉલ્ફતના-
હમે લોભી છીએ, ના, ના! હમારા રાહ ન્યારા છે!
તમારી બેવફાઈના, હરામી ને હલાલીના-
ચીર્યા પડદા હમે ન્યારા, હમારા રાહ ન્યારા છે!
હમે મગરૂર મસ્તાના, બિયાબામાં રઝળનારા!
ખરા મહબૂબ સિંહો ત્યાં હમારા રાહ છે ન્યારા!
કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિંદાના ઊડે ટોળાં;
કબૂતર ઘુઘવે છે જ્યાં, હમારા મ્હેલ ઉભા ત્યાં.
લવે છે બેત નદીઓ જ્યાં,ગઝલ હરખત રહ્યાં ગાતાં;
હમે ત્યાં નાચતા૬ નાગા, હમારા રાહ છે ન્યારા!
તમારા કૃષ્ણ ને મોહમદ તમારા માધ, કાલિદાસ;
બિરાદર એ બધાં મારા, હમારા રાહ છે ન્યારા!
હતાં મહેતો અને મીરાં, ખરાં ઈલ્મી, ખરાં શૂરાં;
હમારા કાફલામાં એ, મુસાફર બે હતાં પૂરાં!
પૂજારી એ હમારાં ને હમો તો પૂજતા તેને;
હમારાં એ હતાં માશૂક, હમો તેના હતા દિલબર!
તમારા રાહજદ્વારોના ખૂની ભપકા નથી ગમતાં;
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના જ્યાં!
હમો તમને નથી અડતાં, હમોને છેડશો કો ના!
લગાવી શૂલ હૈયે મે, નિચોવી પ્રેમ દીધો છે!
હવાઈ મ્હેલના વાસી, હમે એકાન્તદુ:ખવાહી!
હમોને શોખ મરવાનો, હમારો રાહ છે ન્યારો!
ખુવારીમાં જ મસ્તી છે, તમે ના સ્વાદ ચાખ્યો એ;
હમોને તો જગત ખારું થઈ ચૂક્યું થઈ ચૂક્યું !
Comments : 1 Comment »
Tags: ગઝલ-કલાપી
Categories : કલાપીનો કેકારવ, ગઝલ, લોકપ્રિય ગીતો
સ્નેહશંકા-કલાપી
4 07 2008 ઘણું તાવ્યું-ઘણું ટપક્યું- બિચારું મીણનું હૈડું;
દ્રવ્યા કરશે હજી એ તો બિચારું પ્રેમનું પ્યાલું!
ન થા ન્યારીઃન થા ઘેલીઃન થા વ્હેમીઃન થા મેલી!
કરી મ્હારું હ્રદય તારું હવે શંકા પ્રિયે, શાની?
કદી દિલને ન દે દિલ તું દિલ તો ન લે તે તું;
હ્રદયનું સત્વ પીધું તે ;હ્રદય હીણૉ કરે તો શું?
કહે ને પ્રાણ દિલમાં ક્યાં રહી તુજને હજી શંકા ?
કાપી દઊં તે નાખી હું ; ન છે તેની મને પરવા!
કાંટો જે તને લાગે મને ભાલો તે ભોંકાયે;
હ્રદયચીરે રૂધિરે રાતું વહે છે તે તપાસી લે
હૈયું હનુમાનનું ચીર્યું, નિહાળી રામની મૂર્તિ;
હ્રદય મારું અરીસો છે ઉઘાડી તું ભલે જો તે
Comments : 1 Comment »
Tags: સ્નેહશંકા-કલાપી
Categories : કલાપીનો કેકારવ, લોકપ્રિય ગીતો
પસ્તાવો- કલાપી
4 07 2008તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો’તો!
એ ના રોયું,તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
મેં જાણ્યું કે જખમ સહવો રહેલ કરનારને છે!
કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?
રોતું મારું હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઈ!
રે રે! તે ઘા અધિક મુજને મ્રુત્યુથી કાંઈ લાગ્યો,
એ અંગારો મુજ જિગરનાં મૂળને ખાઈ જાતો!
કેવો પાટૉ મલમ લઈને બાંધવા હું ગયો’તો!
તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો’તો!
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠ્યાં પરવશ થયાં હોય સૌ એમ હેતેઃ-
“વ્હાલાં! વ્હાલાં! નવકરીશ રે! કાંઈ મ્હારી દવા તું!
“ઘા સહનારું નવ સહી શકે દર્દ તારી દવાનું !
“ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે!
“તારું તેનો જરૂર જ, સખે પૂર્ણ માલિક તું છે.”
ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથ સાથે દબાઈ!
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઈ!
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘા ને થયો છે,
તોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે!
હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે,
ઓહો! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે!
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે!
રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે!
હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.
‘કલાપીનો કેકારવ’માંથી સાભાર
Comments : 2 Comments »
Tags: પસ્તાવો- કલાપી
Categories : કલાપીનો કેકારવ, લોકપ્રિય ગીતો
ગ્રામમાતા –કલાપી
4 07 2008(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !
(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !
(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.
(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.
(શાર્દૂલવિક્રીડિત)
‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !
(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.
(અનુષ્ટુપ)
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.
(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં
(અનુષ્ટુપ)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’
(શાર્દૂલવિક્રીડિત)
‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’
(વસંતતિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !
Comments : 1 Comment »
Tags: ગ્રામમાતા –કલાપી
Categories : કલાપીનો કેકારવ, લોકપ્રિય ગીતો
શિકારીને…કલાપી
4 07 2008રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું.
પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.
તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે.
પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.
સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.
રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું !
Comments : 1 Comment »
Tags: શિકારીને...કલાપી
Categories : કલાપીનો કેકારવ, લોકપ્રિય ગીતો
કલાપીના શુભાશિતો
4 07 2008દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
***
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
***
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
***
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
***
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
***
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
***
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
***
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
***
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
***
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
***
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
***
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
***
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
***
રસહીન ધરા થઇ છે, દયાહીન થયો નૃપ
નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી.
***
એ હું જ છું નૃપ મને કર માફ બાઇ !
એ હું જ છું નૃપ મને કર માફ ઈશ !
Comments : 2 Comments »
Tags: કલાપીના શુભાશિતો
Categories : કલાપીનો કેકારવ, સુભાષિતો
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની
29 06 2008જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની !
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની !
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની !
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની !
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની !
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની !
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !
Comments : 2 Comments »
Tags: જ્યાં જ્યાં નજર મ્હા
Categories : કલાપીનો કેકારવ, ગઝલ, લોકપ્રિય ગીતો
Recent Comments