વરસાદ ભીંજવે

31 07 2008

વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ





યાદ આવે છે

27 07 2008

સપના મા કરી હતી તે વાતો યાદ આવે છે
ખુદા ને કરેલી મારી ફરિયાદો યાદ આવે છે

ફફ્ત તારા સંગ જીવન મેહેક્તુ હતુ મારુ
સાથે તારા વીતાવેલા પળો યાદ આવે છે

સૂરજ ના કિરણ અજવાસ લાવે જીવન મા
ચાંદની તળે કરેલી એ વાતો યાદ આવે છે

કોને કહુ હવે મારા જીવન ની વેદના હવે
જાણ્યે-અજાણ્યે કરેલા મારા ગુનાહો યાદ આવે છે

ઓળખી ન સક્યો આ “ધવલ” તારા પ્રેમ ને
અશ્રુ ભીની મને એ તારી આંખો યાદ આવે છે





નજરનાં જામ છલકાવીને

4 07 2008

નજરનાં જામ છલકાવીને

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો
જરા ઊભા રહો, જરા ઊભા રહો

જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો
મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો

પ્રણયના ફૂલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

થઈને પૂનમની રાત તમે આવ્યાં હતા
થઈને જીવન પ્રભાત તમે આવ્યાં હતા
તમે આવ્યાં હતા, તમે આવ્યાં હતા

વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે





તારી આંખનો અફીણી

4 07 2008

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ધીમી ધીમી પગલી તારી ધીમી કૈંક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો





ગઝલ-કલાપી

4 07 2008

કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!
ગમીના જામ પી હરદમ, ધરી માશૂક! તને ગરદન;
ન ખંજરથી કર્યા ટુકડા, ન જામે ઈશ્ક પાયો વા!

પછી બસ મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;
સિતમગર હોય તું મારો, ખરો ઉસ્તાદ છે પ્યારો!
ગુલોમેં બાગ ના તોડી, દીધાં સૌ ધૂળમાં ચોળી;
બિછાનું ખારનું કીધું, ઉપર લોટી રહ્યો તે હું!

મુબારક હો તમોને આ, તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમો ને જે ન ફાવ્યો તે!
તમારા માર્ગમાં મજનૂ અને લૈલી શીરી ફરહાદ-
ચિરાયેલાં કપાયેલાં, પડ્યાં છે લોહીથી ભીનાં!

ગુલામો કાયદાના છો, ભલા એ કાયદો કોનો!
ગુલામો ને કહું હું શું? હમારા રાહ ન્યારા છે!
મને ઘેલો કહી, લોકો! હજારો નામ આપે છે;
હમો મનસૂરના ચેલા, ખુદાથી ખેલ કરનારા!

નહિ જાહોજલાલીના,નહિ કીર્તિ, ન ઉલ્ફતના-
હમે લોભી છીએ, ના, ના! હમારા રાહ ન્યારા છે!
તમારી બેવફાઈના, હરામી ને હલાલીના-
ચીર્યા પડદા હમે ન્યારા, હમારા રાહ ન્યારા છે!

હમે મગરૂર મસ્તાના, બિયાબામાં રઝળનારા!
ખરા મહબૂબ સિંહો ત્યાં હમારા રાહ છે ન્યારા!
કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિંદાના ઊડે ટોળાં;
કબૂતર ઘુઘવે છે જ્યાં, હમારા મ્હેલ ઉભા ત્યાં.

લવે છે બેત નદીઓ જ્યાં,ગઝલ હરખત રહ્યાં ગાતાં;
હમે ત્યાં નાચતા૬ નાગા, હમારા રાહ છે ન્યારા!
તમારા કૃષ્ણ ને મોહમદ તમારા માધ, કાલિદાસ;
બિરાદર એ બધાં મારા, હમારા રાહ છે ન્યારા!

હતાં મહેતો અને મીરાં, ખરાં ઈલ્મી, ખરાં શૂરાં;
હમારા કાફલામાં એ, મુસાફર બે હતાં પૂરાં!
પૂજારી એ હમારાં ને હમો તો પૂજતા તેને;
હમારાં એ હતાં માશૂક, હમો તેના હતા દિલબર!

તમારા રાહજદ્વારોના ખૂની ભપકા નથી ગમતાં;
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના જ્યાં!
હમો તમને નથી અડતાં, હમોને છેડશો કો ના!
લગાવી શૂલ હૈયે મે, નિચોવી પ્રેમ દીધો છે!

હવાઈ મ્હેલના વાસી, હમે એકાન્તદુ:ખવાહી!
હમોને શોખ મરવાનો, હમારો રાહ છે ન્યારો!
ખુવારીમાં જ મસ્તી છે, તમે ના સ્વાદ ચાખ્યો એ;
હમોને તો જગત ખારું થઈ ચૂક્યું થઈ ચૂક્યું !





જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની

29 06 2008

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની !

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી  આપની !

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની !

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની !

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની !

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની !

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની  !





શાંત ઝરૂખે વાટ નિરખતી

26 06 2008

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી……

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….





ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

19 06 2008

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી





નયનને બંધ રાખીને

19 06 2008

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.





બસ એટલી સમજ મને પરવરદિગાર દે,

19 06 2008

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.








Follow

Get every new post delivered to your Inbox.