ઘૂમતો ઘૂમતો જાય

20 09 2009

ઘૂમતો ઘૂમતો જાય
આજ માનો ગરબો ઘૂમતો જાય.

ફર ફર ફૂદડી ફરતો જાય,
ચાચર ચોકમાં રમતો જાય….. આજ…

એ રે ગરબાને નવલખ તારલા,
ઝળકતો, ઝળકતો જાય…. આજ…

એ રે ગરબાને ચાર ચાર ફૂલડાં,
મ્હેકતો, મ્હેકતો જાય…. આજ…

એ રે ગરબાને ધોળી રે ધજાઓ,
ફરકતી, ફરકતી જાય…. આજ…

એ રે ગરબાને અંબાના નામ છે,
ચાચર ચોકમાં રમતો જાય… આજ…

એ રે ગરબાને બહુચરના નામ છે,
ચુંવાળે ફરતો જાય…. આજ…

એ રે ગરબાને મહાકાળીના નામ છે,
દક્ષિણે ફરતો જાય…. આજ….

એ રે ગરબાનું ભદ્રકાળી નામ છે,
દરવાજે ફરતો જાય…. આજ…

એ રે ગરબાને આજ ભક્તોનો સાથ છે,
હાં રે ગરબાને આજ સૈયરનો સાથ છે,

ઝૂમી ઝૂમી હાં…… હાં….
ઘૂમીને ભક્તો સૌ ગાય… આજ…..





રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

20 09 2009

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
પાય વાગે છે ઘુઘરીના ઘમકાર રે લોલ

રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
આકાશમાંથી સૂર્ય જોવા આવીયા રે લોલ

સાથે દેવી રન્નદેને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ

આકાશમાંથી ચંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી રોહીણી ને લાવીયા રે લોલ

રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે લોલ

સાથે દેવી ઈન્દ્રાણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ

સ્વર્ગમાંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ
સાથે દેવી લક્ષ્મીજીને લાવીયા રે લોલ

રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
બ્રહ્મ લોકમાંથી બ્રહ્મ જોવા આવિયા રે લોલ

સાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ

પાતાળમાંથી શેષ નાગ આવીયા રે લોલ
સાથે સર્વે નાગણીઓને લાવીયા રે લોલ.

રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ





જય આદ્યાશક્તિ

20 09 2009

જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.
ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
ૐ જયો જયો મા જગદંબે.

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
ૐ જયો જયો મા જગદંબે.

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
ૐ જયો જયો મા જગદંબે.

બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે.

તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
ૐ જયો જયો મા જગદંબે.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે.

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે.

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
ૐ જયો જયો મા જગદંબે.





હે મારે મહિસાગરને આરે

20 09 2009

હે મારે મહિસાગરને આરે

હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે





એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

20 09 2009

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી’તી
આજે મંદિરીયામાં આવ્યા મોરી મા
વણઝારી ઝૂલણા ઝૂલતી’તી

માએ પહેલે પગથીયે પગ મૂક્યો
માની પાની સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ બીજે પગથીયે પગ મૂક્યો
માના ગોઠણ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માના સાથળ સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ચોથે પગથીયે પગ મૂક્યો
માના કેડ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો
માની છાતી સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો
માની ડોક સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ સાતમે પગથીયે પગ મૂક્યો
માનો સર્વો સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી





॥ ચાંદો ઊગ્યો ચોકમાં ॥

20 09 2009

  ચાંદો ઊગ્યો ચોકમાં

 


ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં
હે લહેરીડા, હરણ્યું આથમી રે હાલાર દેશમાં રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
હે લહેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા

પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા
પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા
હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
હે લહેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં





॥ આશા ભર્યા તે અમે આવિયાં ॥

20 09 2009

  આશા ભર્યા તે અમે આવિયાં

 

		આશા ભર્યા તે અમે આવિયાં 
		ને મારે વાલે રમાડ્યા રાસ રે
		આવેલ આશા ભર્યા

		શરદપૂનમની રાતડી ને
		કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે
		આવેલ આશા ભર્યા

		આશા ભર્યા તે અમે આવિયાં
		ને મારે વાલે રમાડ્યા રાસ રે
		આવેલ આશા ભર્યા

		વૃંદા તે વનના ચોકમાં
		કંઈ નાચે નટવરલાલ રે
		આવેલ આશા ભર્યા

		આશા ભર્યા તે અમે આવિયાં
		ને મારે વાલે રમાડ્યા રાસ રે
		આવેલ આશા ભર્યા

		જોતાં તે વળતાં થંભિયાં
		ઓલ્યા નદિયું કેરા નીર રે
		આવેલ આશા ભર્યા

		આશા ભર્યા તે અમે આવિયાં
		ને મારે વાલે રમાડ્યા રાસ રે
		આવેલ આશા ભર્યા

		અષ્ટકુળ પર્વત ડોલિયા ને
		ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે
		આવેલ આશા ભર્યા

		આશા ભર્યા તે અમે આવિયાં
		ને મારે વાલે રમાડ્યા રાસ રે
		આવેલ આશા ભર્યા

		મે’તા નરસૈયાના સ્વામી શામળિયા
		સદા રાખો ચરણની પાસ રે
		આવેલ આશા ભર્યા

		આશા ભર્યા તે અમે આવિયાં
		ને મારે વાલે રમાડ્યા રાસ રે
		આવેલ આશા ભર્યા





કહો પૂનમનાં ચાંદને આજે ઉગે આથમની ઓર

20 09 2009

કહો પૂનમનાં ચાંદને આજે ઉગે આથમની ઓર

મારા મનડાના મીત,
મારા જીવન સંગીત લઈને આવ્યા છે મારી પ્રીત
— કહો પૂનમનાં ચાંદને

આજે અમારાજીવનનો આ કેટલો સુંદર દિવસ છે.
આજે અમે રમશું પ્રીતમની સાથે હાથોમાં રાખીને હાથ
  — કહો પૂનમનાં ચાંદને

પૂનમની રાત થંભી જાશે તો ઝૂલશું ફૂલડાંની સેજ કરીને
નદીઓનાં નીરમાં નાવલડી તારશું ગીતોનાં ગુંજન કરીને
– કહો પૂનમનાં ચાંદને

ક્યારે ફરી આવશે અવસર અનેરો પ્રીતમની સંગે રહેવાનો
ક્યારે ફરી મળશું રઢિયાળી રાતમાં, મનડામાં પ્રીત ભરીને
 — કહો પૂનમ નાં ચાંદને





સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…

20 09 2009

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..





આસમાની રંગની ચૂંદડી રે

20 09 2009

આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, રૂડા તારલા રે, માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રે, રૂડા હીરલા રે, માની ચૂંદડી લહેરાય
શોભે મજાની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે, માની ચૂંદડી લહેરાય
અંગે દીપે છે ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય
લહરે પવન ઊડે ચૂંદડી રે, ઊડે ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય








Follow

Get every new post delivered to your Inbox.