કાચબા-કાચબીનું ભજન

9 10 2008

કાચબો કહે છે કાચબીને તું રાખની ધારણ ધીર
આપણને ઉગારશે વહાલો જુગતેશું જદુવીર

ચિંતા મેલી શરણે આવો રે
મરવા તુંને નહિ દે માવો રે

વારતી’તી તે સમે તેં શા વાસ્તે મારું કેમ ન માન્યું કે’ણ
હવે નથી કોઈ આરો વારો થયા પૂરા આયખાના ખેલ

પ્રભુ તારો ન આવ્યો પ્રાણી રે
માથે આવી મોત નિશાની રે

અબળાને એતબાર ન આવે કોટી કરોને ઉપાય
કહ્યું ન માને કોઈનું રે એ તો ગાયું પોતાનું ગાય

એવી તો વિશ્વાસવિહોણી રે
પ્રથમ તો મત્સ્યની પોણી રે

કાચબી કહે છે ક્યાં છે તારો રાખણહારો રામ
હરિ નથી કોઈના હાથમાં રે તમે શું બોલો છો શ્યામ

મરવા ટાણે મતિ મુંઝાણી રે
ત્રુટ્યા પછી ઝાલવું તાણી રે

ત્રિકમજી ત્રણ લોકમાં મારે તારો છે એતબાર
અટક પડી હરિ આવજો રે મારા આતમનો આધાર

છોગાળા વાત છે છેલ્લી રે
ધાજો બુડ્યાના બેલી રે

કાચબી કહે છે કોણ ઉગારે જાતો રહ્યો જગદીશ
ચારે દિશાથી સળગી ગયું તેમાં ઓરીને વિચોવીચ

જેનો વિશ્વાસ છે તારે રે
એનો એતબાર ન મારે રે

બળતી હોય તો બેસને મારી પીઠ ઉપર રાખું તારા પ્રાણ
નિંદા કરે છે નાથની રે એ તો મારે છે મુજને બાણ

વહાલો મારો આવશે વ્હારે રે
ઓર્યામાંથી ઉગારવા સાટે રે

કાચબી કહે છે કિરતાર ન આવ્યો આવ્યો આપણો અંત
પ્રાણ ગયા પછી પહોંચશે રે તમે શું બાંધો આશનો તંત

આમાંથી જો આજ ઊગરીએ રે
પાણી બાર કદી ન પગ ભરીએ રે

વિઠ્ઠલજી મારી વિનંતિ સુણી શામળા લેજો સાર
લીહ લોપાશે લોકમાં રે બીજે જાશો કોની વહાર

હરિ મારી હાંસી થાશે રે
પરભુ પરતીતિ જાશે રે

કેશવજીને કરુણા આવી મોકલ્યા મેઘ મલ્હાર
આંધણમાંથી ઉગારિયો આવી કાચબાને કિરતાર

ભોજો કે છે ભરોંસો આવશે જેને રે
ત્રિકમજી મારો તારશે તેને રે

- ભોજો ભગત





કૈલાસકે નિવાસી નમુ બાર બાર હું

1 08 2008

એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર
દયાલુ ઈનકે સાથ હૈ ચંદ્રમૌલી ભરથાર
વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ

કૈલાસકે નિવાસી નમુ બાર બાર હું
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું

ભક્તોકો કભી તુમને શીવ નિરાશ ના કિયા
માંગા જીન્હે જો ચાહા વરદાન દે દીયા
બડા હૈ તેરા દાયજા બડા દાતાર તું

બખાન ક્યા કરું મૈ રાખો કે ઢેર કા
ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા
હૈ ગંગધાર મુક્તિદ્વાર ૐકાર તું

ક્યા ક્યા નહીં દીયા ભોલે ક્યા પ્રમાણ દે
બસ ગયે ત્રિલોક શંભુ તેરે હી નામસે
ઝહર પીયા જીવન દિયા કિતના ઉદાર તું

તેરી કૃપા બિના ન હિલે એક હી અણુ
લેતે હૈ શ્વાસ તેરી દયાસે તનુ તનુ
કહે દાદ એકબાર મુઝકો નિહાર તું
આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું





ભાડૂતી બંગલો

5 07 2008

બંગલાનો બાંધનાર

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?

લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ

ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં
નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ

આ રે બંગલામાં દસ દસ દરવાજા
નવસો નવાણું એમાં બારી મારા ભાઈ

કડિયા-કારીગરની કારીગરી નથી એમાં
પાણીની બનાવી હવેલી મારા ભાઈ

બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા
નથી દેવું પડતું ભાડું મારા ભાઈ

નટવર શેઠની નોટિસો રે આવી
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ

ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા
આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ

પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ
ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ

દાસી જીવણ જાઓ ગુરુજીને ચરણે
તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ

- દાસી જીવણ





ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

5 07 2008

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય લે આકાર જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયું ધૃત-મહી-માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

પળમાં જોગી ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ જી

- નિષ્કુળાનંદ





હરિને ભજતાં

5 07 2008

હરિને ભજતાં

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

- ગેમલ





નાવિકની ભક્તિ

5 07 2008

નાવિકની ભક્તિ

નાવિક વળતો બોલિયો, સાંભળો માહરા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિં બેસાડું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણુની અપાર;
અહલ્યા ત્યાં સ્ત્રી થઈ સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક.

આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે? શી કરું ત્યાં પેર?

હસી વિશ્વામિત્ર બોલીયા, ચરણ–રેણે સ્ત્રી થાય ;
તે માટે ગંગાજળ લેઈને, પખાળો હરિ–પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજળ લેઈને, પખાળ્યા ત્યાં ચર્ણ.

- ભાલણ





ઝેર તો પીધાં છે જાણી જાણી

5 07 2008

ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા
ઝેર તો પીધા છે જાણી જાણી
નથી રે પીધાં અણજાણી રે, મેવાડના રાણા

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે
કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે
સંતોની સંગે હું લોભાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

સાધુડાના સંગ મીરાં છોડી દો
તમને બનાવું રાજરાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે
જનમોજનમની બંધાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
તમને ભજીને હું વેચાણી રે, મેવાડના રાણા
ઝેર તો પીધાં છે જાણી જાણી

- મીરાંબાઈ





મુજ અબળાને મોટી મીરાત

5 07 2008

મુજ અબળાને મોટી મીરાત

મુજ અબળાને મોટી મીરાત બાઈ
શામળો ઘરેણું મારું સાચું રે

વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી
હાર હરિનો મારે હૈયે રે

ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો
શીદ સોની ઘેર જઈએ રે

ઝાંઝરિયાં જગજીવન કેરાં
કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે

વિંછુવા ઘૂઘરા રામ નારાયણના
અણવટ અંતરજામી રે

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી
ત્રિકમ નામનું તાળું રે

કૂંચી કરાવું કરુણાનંદ કેરી
તેમાં ઘરેણું મારું ઘાલું રે

સાસરવાસો સજીને બેઠી
હવે નથી કંઈ કાચું રે

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
હરિને ચરણે જાચું રે

- મીરાંબાઈ





મને લાગી કટારી પ્રેમની

5 07 2008

મને લાગી કટારી પ્રેમની

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે
મુને લાગી કટારી પ્રેમની

જળ જમુનાનાં ભરવા ગયા’તાં
હતી ગાગર માથે હેમની રે
મુને લાગી કટારી પ્રેમની

કાચે તે તાંતણે હરિજીએ બાંધી
જેમ ખેંચે તેમ તેમની રે
મુને લાગી કટારી પ્રેમની

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
શામળી સૂરત શુભ એમની રે
મુને લાગી કટારી પ્રેમની

- મીરાંબાઈ





રામ રમકડું જડિયું રે

5 07 2008

રામ રમકડું જડિયું રે

રામ રમકડું જડિયું રે, રાણાજી
મને રામ રમકડું જડિયું

રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું
નહિ કોઈના હાથે ઘડિયું રે
મને રામ રમકડું જડિયું

મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે
મને રામ રમકડું જડિયું

સૂના શિખરના ઘાટથી ઉપર
અગમ અગોચર નામ પડિયું રે
મને રામ રમકડું જડિયું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
મન મારું શામળિયા સંગ જડિયું રે
મને રામ રમકડું જડિયું

- મીરાંબાઈ








Follow

Get every new post delivered to your Inbox.